Showing posts with label મીઠાઇ. Show all posts
Showing posts with label મીઠાઇ. Show all posts

ખજૂર - કોકોનટ બોલ્સ

સામગ્રી :- 250 ગ્રામ ખજૂર
50 ગ્રામ માવો
50 ગ્રામ ડ્રાયફ્રુટ્સ
50 ગ્રામ કોકોનટ પાવડર
દોઢ ચમચી દળેલી ખાંડ
અડધી ચમચી અલચીનો પાવડર
અડધી ચમચી જાયફળનો પાવડર
ઘી જરૂર મુજબ
રીત :- સૌ પ્રથમ એક વાસણમાં થોડું ઘી મૂકી, તેમાં ઝીણા સમારેલા ખજૂરના ટુકડા સાંતળો. ખજૂર થોડુ નરમ પડે એટલે નીચે ઉતારી લો. ઠંડુ પડે એટલે તેમાં માવો, ડ્રાયફ્રુટ્સ, દળેલી ખાંડ ઉમેરી બરાબર મિકસ કરો. ત્યારબાદ તેના નાના નાના બોલ્સ વાળો. આ બોલ્સને ટોપરાના છીણમાં રગદોળો.
નોંધ :- આ વાનગી ઘણી જ સ્વાસ્થ્ય વર્ધક છે. તેમાં ખજૂરના બદલે આપણે અંજીર પણ ઉપયોગમાં લઇ શકીએ છીએ, અથવા તો ખજૂર અને અંજીર બંને પણ લઇ શકીએ છીએ. આ વાનગીને આપણે પ્રસાદ તરીકે પણ ધરાવી શકીએ છીએ અને કીટી પાર્ટીમાં આ વાનગી શોભારૂપ બને છે. નાના બાળકોને આકર્ષવા માટે આ બોલ્સમાં ટુથપીક લગાવી દઇએ તો બાળકો તેને લોલીપોપ તરીકે હોંશે હોંશે આરોગે છે.

મેસૂબ

સામગ્રી : 1 કપ ખાંડ
1 કપ ચણાનો લોટ
3 કપ ઘી
2 ટેબલસ્પૂન દૂધ,
5 નંગ એલચી.
રીત : એક વાસણમાં ખાંડ લઈ, તે ડૂબે તેટલું પાણી નાંખી, તાપ ઉપર મૂકવું. ઊકળે એટલે તેમાં 1 ચમચો દૂધ અને 1 ચમચો પાણી ભેગાં કરી નાંખીને મેલ કાઢવો. ચાસણી એકતારી થાય એટલે ધીમા તાપ ઉપર ગરમ રાખવી. હવે ચણાના લોટને ઘીમાં બદામી રંગનો શેકવો. શેકાય એટલે તેમાં ચાસણી નાંખી 1 ચમચો દૂધ છાંટવું. ખૂબ હલાવતાં રહેવું. પછી ઘીને સારું ગરમ કરી, તેની ધાર કરવી. લોટ છૂટો પડવા આવે, ઘી છૂટું પડે અને ઊભરો આવે એટલે એલચીનો ભૂકો નાંખી, તરત જ સ્ટીલની ચાળણીમાં મેસૂર ઠારી દેવો. ચાળણી તપેલી ઉપર મૂકવી, જેથી ઘી તેમાં નીતરી મેસૂરનો સરસ જાળી પડશે. કટકા પાડવા આંકા કરી રાખવા. સખત થયા પછી એકસરખા કટકા પડશે નહિ.

ડ્રાયફ્રુટ બરફી

સામગ્રી : 1 કપ માવો
1 કપ ખાંડ
1/2 કપ પનીર
2 ટેબલસ્પૂન મિલ્ક પાઉડર
1 ટેબલસ્પૂન પિસ્તાનો ભૂકો
1 ટેબલસ્પૂન ચારોળીનો ભૂકો
1/2 ટેબલસ્પૂન એલચીનો ભૂકો
ઘી, એલચીના દાણા
રીત : દૂધને ગરમ કરી, ઊકળે એટલે ધીમે ધીમે લીંબુનો રસ નાંખી, ઉતારી, હલાવ્યા કરવું. બરાબર ફાટી જાય એટલે કપડામાં બાંધી રાખવું. પછી ઉપર વજન મૂકી, બધું જ પાણી કાઢી નાંખવું. આવી રીતે પનીર બનાવી, વાટી નાંખવું. હવે એક વાસણમાં એક ચમચી ઘી નાંખી, ગરમ થાય એટલે તેમાં થોડા એલચીના દાણા નાંખી, તેમાં માવો, પનીર અને ખાંડ બધું ભેગું કરી નાંખવું. ખાંડ ઓગળે અને મિક્સ થઈ જાય એટલે ઉતારી તેમાં મિલ્ક પાઉડર, બદામ-પિસ્તાં-ચારોળીનો ભૂકો અને એલચીનો ભૂકો નાંખી, થાળીમાં ઘી લગાડી, બરફી ઠારી દેવી. ઠરે એટલે કટકા કાપવા.

ચીકુનો હલવો

સામગ્રી : ચીકુ - ૬ નંગ,
માવો - ૧૦૦ ગ્રામ,
બૂરું ખાંડ - ૧૦૦ ગ્રામ,
દૂધ - ૫૦૦ ગ્રામ,
એલચી - સ્વાદ અનુસાર,
ખાંડ - ૪૦૦ ગ્રામ.
રીત : ચીકુને ધોઈને તેની છાલ કાઢી ઝીણાં ટુકડા કરો. તેને મિકસરમાં ક્રશ કરી લો. એક તપેલીમાં દૂધ ઉકળવા મૂકો. દૂધ થોડું ઘટ્ટ થાય એટલે કે અડધું થઈ જાય એટલે ગેસ ધીમો કરી તેમાં ચીકુનો માવો, દૂધનો માવો અને દળેલી ખાંડ નાખી હલાવતા રહો. પછી નીચે ઉતારી તેમાં એલચીના દાણાં નાખી થાળીમાં ઘી ચોપડી પાથરી દો અને ઉપર ચાંદીનો વરખ લગાવી ચેરીથી સજાવો. ચોરસ ટુકડા કરીને સર્વ કરો.

ચીકુની બરફી

સામગ્રી :- ચીકુનો માવો – 1 કિલો
ખાંડ -600 ગ્રામ
ગ્લુકોઝ – 50 ગ્રામ
કન્ડેન્સ મિલ્ક – 160 ગ્રામ
ચોખ્ખુ ઘી – 100 ગ્રામ,
ચોકલેટ કલર - 2 ગ્રામ,
પસંદગી મુજબનું એસેન્સ - જરૂર પ્રમાણે
રીત :- ચીકુને પાણીથી ધોઈ છાલ ઉતારી, બી કાઢી નાના નાના ટુકડા કરો. પછી તેને મિકસરમાં ક્રશ કરી માવો બનાવો. હવે આ માવાને ગરમ કરી સતત હલાવતા રહો. ત્રીજા ભાગનો માવો રહે ત્યારે તેમાં ખાંડ, ગ્લુકોઝ અને થોડું ઘી નાખી સતત હલાવતા રહો. માવો ફરી ઘટ્ટ થાય એટલે તેમાં કન્ડેન્સ મિલ્ક ઉમેરો. બરાબર ઘટ્ટ થઈ જાય એટલે તેને ગેસ પરથી ઉતારી તેમાં કલર અને એસેન્સ નાખી સરખી રીતે મિકસ કરો. હવે એક વાસણમાં ઘી લગાડી આ માવો તેમાં એકસરખો પાથરી દો. પછી તેને એકથી દોઢ કલાક ઠરવા દો. ઠરી જાય એટલે તેના પીસ કાપી લો અથવા તેને મનપસંદ આકાર આપો.

રસગુલ્લા

સામગ્રી :- 1 લિટર દૂધ (ગાયનું)
1 લીબુનો રસ
11/2 કપ ખાંડ
3 કપ પાણી
રીત :- • દૂધને આગલે દિવસે ગરમ કરી, ઠંડું થાય એટલે ફ્રિજમાં મૂકી દેવું. બીજે દિવસે મલાઈ કાઢી ફરીથી ઉકાળવું.
• ઊકળે એટલે 1 કપમાં 1/4 કપ જેટલું પાણી લઈ 1 લીંબુ નીચોવવું અને તેને 2 થી 3 મિનિટ દૂધ ઠંડું પડે પછી નાખતા જવું. દૂધ ફાટી જાય ત્યાં સુધી નાખવું.
• પછી ચાળણીમાં કપડું મૂકી પનીર કાઢવું. ફનીરને પાણીથી બે વાર ધોવું.
• પાણી નીતારીને પનીરમાં 1 ટી સ્પૂન ખાંડ નાખી ખૂબ મસળવું. સુવાળું થાય એટલે નાના ગોળા વાળવા.
• પહોળા વાસણામાં 11/2 કપ ખાંડની તાર વગરની પાતળી ચાસણી કરી ઉકળે એટલે તેમાં ગોળા નાખી દઅવા. તેને 15 મિનિટ ઢાંકીને ઉકળવા દેવા.
• પછી ગોળા ફૂલી જાય એટલે ગેસ બંધ કરી તેમાં 1 કપ ઠંડું પાણી નાખવું. 4 થી 5 કલાક ચાસણીમાં રાખવા. પછી ફ્રિજમાં મૂકવા.
નોંધ :- લીંબુને બદલે 1/2 ટી સ્પૂન લીંબુનાં ફૂલ કે 2 ટેબલ સ્પૂન વિનેગર પાણીમાં ઓગાળીને નાખી શકાય.

રીત 2 માટેની સામગ્રી :- 1 લિટર સ્ક્રીમ મિલ્ક
2 ટેબલ સ્પૂન વિનેગર
ચપટી બેકિંગ પાઉડર
2 ટી સ્પૂન મેંદો
2 કપ ખાંડ
6 કપ પાણી
ચપટી લીંબુનાં ફૂલ
ક્રિસ્ટલ સાકર
રીત(2) :- • દૂધને ગરમ કરવું. ઊભરો આવે ત્યારે નીચે ઉતારી, ઠંડું થાય ત્યારે ફ્રિજમાં મૂકવું.
• દૂધની મલાઈ કાઢી, ફરીથી ગરમ કરવા મૂકી,સહેજ મલાઈ થી હોય તે કાઢી લેવી દૂધને ઊભરો આવે ત્યારે ગેસ ધીમો કરી વિનેગર નાખતા જવું. હલાવતા જવું.
• દૂધ ફાટે એટલે વિનેગર નાખવાનું બંધ કરી ર્ગસ બંધ કરવો.
• 2 કલાક સુધી પનીર ફાટેલા દૂધમાં રાખી મૂકવું પછી ચાળણીમાં મલમલનું કપડું મૂકી તેમાં પનીર નાખવું. પાણી નીતરી જશે.
• પછી તેને છાપામાં કાઢી કોરું કરવું. તેમાં બેકિંગ પાઉડર અને મેંદો નાખી મિકસરમાં સહેજ ફેરવવું.
• વીસું થઈ જાય એટલે તેમાંથી સહેજ પનીર જુદું કાઢી, તેમાં 1 થી 2 ક્રિસ્ટલ સાકર નાખી નાની ગોળીઓ વાળવી. દરેક ગોળીઓમાં સાકર મૂકવી.
• બીજા પનીરની તેટલી જ મોટી ગોળીઓ વાળવી. મોટી ગોળીમાં નાની ગોળી મૂકી બરાબર. ગોળીઓ વાળવી.
• ખાંડમાં પાણી નાખી તેને ગરમ કરવું. લીંબુનાં ફૂલ નાખી ગોળી લેવું. ફરીથી ચાસણી ગરમ મૂકવી. ઊકળે એટલે રસગુલ્લા નાખવા.
• સ્ટીલના કૂકરમાં ચાસણી સાથે રસગુલ્લા મૂકી, ૩ વ્હીસલ વાગે એટલે ગેસ સહેજ ધીમો કરી પછી બંધ કરવો.( બહાર તપેલીમાં પણ 15 થી 20 મિનિટ ઢાંકણ ઢાંકીને રસગુલ્લા થાય.)
• રસગુલ્લાને 4 થી 5 કલાક ચાસણીમાં રાખ્યા બાદ પીરસવા.

ગાજરનો હલવો

સામગ્રી : ગાજર - ૫૦૦ ગ્રામ,
ખાંડ - ૪૦૦ ગ્રામ,
દૂધ - ૩ કપ,
ઘી - એક-દોઢ ચમચો,
એલચીનો પાઉડર - સ્વાદ મુજબ,
ચાંદીનો વરખ - સજાવટ માટે
રીત : ગાજરને સારી રીતે છોલી છીણી લો. પહોળી તપેલીમાં ઘી ગરમ મૂકી તેમાં ગાજરના છીણને સાંતળો. સહેજ ચડી જાય એટલે તેમાં દૂધ રેડી સતત હલાવતાં રહો. ખાંડ ભેળવીને પછી બધું દૂધ શોષાઇ જાય પછી એલચીનો પાઉડર ભેળવો. ઇરછો તો હલવામાં માવો મસળીને મિકસ કરો. હલવો તૈયાર થઇ જાય એટલે કે ગાજર બફાઇ જાય એટલે આંચ પરથી ઉતારીને એક થાળીમાં ઠારી દો. ઉપર સજાવટ માટે ચાંદીનો વરખ લગાવો.

ગળી બુંદી

સામગ્રી :- 100 ગ્રામ ચણાનો ઝીણો લોટ ( 1 કપ લોટ)
2 ટેબલ સ્પૂન ચણાનો જાડો લોટ
150 ગ્રામ ઘી
200 ગ્રામ ખાંડ (1 કપ ખાંડ)
કેસરી કલર અને કેસર
1 ટી સ્પૂન ઇલાયચીનો ભૂકો
દ્રાક્ષ
રીત :-
• 1 કપ ચણાના ઝીણા લોટમાં ૨ ટેબલ સ્પૂન જાડો લોટ, 1 ટી સ્પૂન ઘી નાખવું. બુંદી પાડતાં થોડી વાર પહેલાં લોટ પલાળવો.
• ખીરું એવું રાખવું કે ઝારામાંથી તરત નીચે ગોળ પડે. જાડું ખીરું હો તો પાણી નાખવું. પાતળું હોય તો લોટ નાખવો.
• ઝારો ઘીની તાવડીથી ઊંચો રાખવો. ઘી બરાબર ગરમ થાય એટલે બુંદી પાડવી.ઝારો હલવો ન જોઈએ. ઝારા પર ચમચાથી ધાર કરવી. ચમચો ઝારા પર ઘસવો નહીં.
• એક વખત બુંદી પાડયા પછી ઝારો સાફ કરશો,તો જ ફરીથી સારી બુંદી પડશે.
• ખાંડ ડૂબે એટલું પાણી લઈ ચાસણી કરવી. ઠોર કરતાં થોડી પાતળી બે તારની ચાસણી કરવી. ટપકું મૂકીને અને સહેજ ખસે એટલે ચાસણી થઈ ગઈ કહેવાય.
• ચાસણીમાં કેસરી કલર, કેસર નાખવીં, ઇલાયચીનો ભૂકો નાખવો.ચાસણીમાં દ્રાક્ષ પણ નખાય. ચાસણી થઈ જાય એટલે નીચે ઉતારી લેવી.
• ચાસણી ઠંડી થાય ત્યારે સહેજ ગરમ કરવા મૂકવી. બુંદી તળીને ચાસણીમાં નાખવી. બે-ત્રણ ઘાણ બુંદી ભેગી થાય એટલે કાઢી લેવી.
• બુંદી બહુ ગળી થઈ જતી હોય તો એક ઘાણ થાય એટલી જ વાર રાખીને કાઢી લેવી. બુંદીવાળી થાળી ત્રાંસી રાખવી, જેથી વધારાની ચાસણી નીકળી જાય.
• બુંદી હલાવતા જવું, જેથી બુંદી છૂટી થશે. તેને ખુલ્લી રાખી છાપું ઢાંકવું. ચાસણીમાંથી કાઢી તરત લાડવા પણ વાળી શકાય.

ખજૂરના ઘૂઘરા

સામગ્રી : ખજૂર ૨૫૦ ગ્રામ,
ખસખસ ૧૫ ગ્રામ,
ચારોળી ૧૫ ગ્રામ,
એલચી ૧૦ ગ્રામ,
મેંદો ૧૨૫ ગ્રામ,
દળેલી ખાંડ ૫૦ ગ્રામ,
ઘી ૨૫૦ ગ્રામ.
બનાવવાની વિધિ : ખજૂરમાંથી ઠળિયા કાઢી તેને ટુકડા જેવું કરીને કડાઇમાં ઘી નાંખીને જરા સાંતળી લો. તે નરમ થઇ ગયા બાદ ઠંડું પાડો અને પછી તેમાં દળેલી ખાંડ, એલચી પાઉડર, ચારોલી, ખસખસ વગેરે નાંખીને તેનું પુરણ બનાવો. પછી થોડું ઘી લઇ તેને થાળીમાં ફીણો. મેંદાનો લોટ કઠણ બાંધો. તેને ઝુડીને નરમ પાડો અને તેમાં ખજૂરનું પુરણ ભરાય તેવી પુરી બનાવીને પુરણ ભરી ઘુઘરા બનાવો ગરમ ઘીમાં તળી લો.

ખજૂર રોલ

સામગ્રી :
ખજૂર ૨૦૦ ગ્રામ,
કોપરું ૧૦૦ ગ્રામ,
દળેલી ખાંડ ૪૦૦ ગ્રામ,
ખસખસ ૧૦૦ ગ્રામ,
જાયફળ પાઉડર ૩ ગ્રામ,
એલચી પાઉડર ૫ ગ્રામ,
મેંદો ૨૦૦ ગ્રામ,
ઘી તળવા માટે
બનાવવાની વિધિ :
કડાઇમાં કોપરાનું ખમણ પહેલા શેકી લો. તેમાં તે ઠંડા થયા બાદ ખસખસ, એલચી, જાયફળ પાઉડર પણ ભેળવી દો. ખજૂરને ધોઇને ઠળિયા કાઢી લો. અને તેનો માવો બનાવી કોપરામાં ભેળવી દો. તેમજ દળેલી ખાંડ પણ ભેળવી દો અને તેનું પુરણ બનાવીને તૈયાર રાખો.
મેંદામાં ઘીનું મોણ નાખો અને પુરીનો લોટ બાંધી દો તેમાંથી લુઆ લઇ જરા મોટી એવી પુરી વણી લો. તે પુરી પર દૂધ લગાડી ઉપર ખજૂરનું પુરણ પાથરી દો અને તેનો ગોળ રોલ વાળી લો. તેની બંને બાજુની કિનારી પણ દબાવી દો. પછી તે રોલને ગરમ ઘીમાં ગુલાબી એવા તળી લેવા. તે ૭-૮ દિવસ સુધી સારા રહે છે. અને ખાવામાં પણ સ્‍વાદિષ્‍ટ લાગે છે.

બત્રીસુ

સામગ્રી : સૂંઠ/પીપર/ગંઠોડા ૧૭-૧૭ ગ્રામ,
કાળા મરી / શતાવરી ૩-૩ ગ્રામ,
તેજવલ, ચીન / કબાલા ૩-૩ ગ્રામ,
એલચી / કાળી મુસળી ૧૨-૧૨ ગ્રામ,
ધોળી મૂસળી / આસન ૧૨-૧૨ ગ્રામ,
તજ / લવિંગ ૭-૭ ગ્રામ,
ગોખરુ / કમરકાકડી ૧૨-૧૨ ગ્રામ,
નાગકેસર ૭ ગ્રામ,
વાંસકપુર ૭ ગ્રામ,
મરકસ ૭ ગ્રામ,
મુગલાઇ બેદાણા ૭ ગ્રામ,
જેઠી મધ / એક્રો ૭-૭ ગ્રામ,
ચીપક અસાળિયો ૭-૭ ગ્રામ,
અવક/ નિર્ગુડી ૭-૭ ગ્રામ,
જાવંત્રી / ચોપચીની ૩-૩ ગ્રામ,
અક્કલગરો ૩ ગ્રામ,
કેસર ૬ ગ્રામ,
જાયફળ ૧ નંગ નાનું,
સફેદ મરી ૧૫ ગ્રામ,
એખરો ૭ ગ્રામ
બનાવવાની વિધિ : ઉપરના બત્રીસ જેટલા વસાણાને ખાંડીને ચાળીને તેનો પાઉડર બનાવીને સાફ બોટલમાં ભરીને રાખી દો.
શિયાળામાં વહેલી સવારે ૧૫ ગ્રામ ઘીમાં થોડો ગોળ નાંખવો ને પાયો કરવો અને તેમાં ૧૫ ગ્રામ જેટલું આ તૈયાર કરેલું ચૂર્ણ નાંખવું અને સરખી રીતે હલાવીને અને તેને તમે ખાઇ શકો છો. આ સિવાય વિવિધતાભર્યા પાક બનાવવામાં આ બત્રીસુ વાપરી શકાય છે.
પ્રસુતા બહેનોને પણ તે ખવડાવાય છે. તે શકિત અને પુષ્ટિ દાયક છે. અને ખૂબ જ લાભદાયી છે.

કાજુનો મેસુબ

સામગ્રી : � કાજુ ૧૨૫ ગ્રામ,
ઘી જરૂર મુજબ,
ખાંડ ૨૫૦ ગ્રામ,
થોડી પિસ્તાંની કાતરણ.
બનાવવાની વિધિ : કાજુનો ચૂરો પીસી લો. તેના કરતાં બમણી ખાંડ લઇ તેની ૨ તારની ચાસણી બનાવો. પછી તેમાં કાજુનો ચુરો નાંખીને હલાવો. ઘી પણ નાંખતા જાઓ. ઘી ગરમ કરીને ઉમેરતા જવું. મેસુબની જેમ ઘી છુટ્ટું પડતાં નીચે ઉતારી થાળીમાં ઢાળી દો. થાળી ઢળતી રાખીને ઘી નીતારી લો. ને અલગ કરી લો. પછી કાપા પાડીને પીરસી દો.

શકિતવર્ધક પાક

સામગ્રી : ઘઉંનો લોટ ૧૦૦ ગ્રામ,
ઘી ૨૦૦ થી ૧૫૦ ગ્રામ,
અડદનો લોટ ૫૦ ગ્રામ,
ગુંદકણી ૨૦ ગ્રામ,
ચણાનો લોટ ૫૦ ગ્રામ,
સૂકા કોપરાનું ખમણ ૨૫ ગ્રામ,
ખાંડ કે ગોળ ૩૦૦ ગ્રામ,
સૂંઠ ૫ થી ૧૦ ગ્રામ.
બનાવવાની વિધિ : પ્રથમ ઘઉંનો લોટ, અડદનો લોટ તથા ચણાનો લોટ તપેલીમાં થોડું થોડું ઘી મૂકીને અલગ અલગ શેકી લો. પછી ઘી ગરમ મૂકી તેમાં ગુંદકણી તળી લો. ત્‍યારબાદ ગોળ લીધો હોય તો થોડા ધીમાં તેનો પાયો (રાબડી) બનાવી, તેમાં બધા લોટ નાંખો. ખાંડ લેવી હોય તો ખાંડની અઢી તારી ચાસણી કરવી. પછી તેમાં બધા લોટ, કોપરાનું ખમણ, તળેલી ગુંદકણી તથા સૂંઠ નાંખી બધું હલાવી, સુખડીની જેમ પાક બનાવી લો. ખાંડ કે ગોળ ઓછાં લાગે છે તો તે વધુ પ્રમાણમાં ઉમેરવા. ઘી ચોપડેલી થાળીમાં તે ઢાળી દાબી દઇ ઠારો થોડી વાર પછી તેના છરીથી ચકતા પાડી લો.
શિયાળામાં આ ‘પુષ્ટિ પાક’ ઘરનાં બધા માટે ખૂબ શકિતવર્ધક તથા પુષ્ટિદાયક છે.

મકાઇ પાક

સામગ્રી : કૂણી તાજી મકાઇ ૨ નંગ દૂધ ૧૦૦ ગ્રામ,
લીલા નારીયેળનું ખમણ ૧ નંગનું,
એલચી પાઉડર થોડો,
સાકર ૨૦૦ ગ્રામ,
ઘી ૨ થી ૩ ચમચી.
બનાવવાની વિધિ : પ્રથમ મકાઇના દાણા ફોલી, તેને પ્રેશર કૂકરમાં થોડા પાણીમાં બાફીને ધોઇ લો. પછી તેને ક્રશરમાં વાટી લો. ત્‍યારબાદ તેને બીજી તપેલીમાં ઘી મૂકી જરા શેકી લો. કડાઇમાં દૂધ ગરમ કરી ઉકાળો. પછી તેમાં મકાઇ, કોપરાનું ખમણ, સાકર કે ખાંડ નાંખી સાથે ઉકાળતાં, હલાવતાં રહો. બધું દૂધ ઘટ્ટ થઇ જઇ, પાક જેવું થાય ત્‍યારે તેમાં એલચી નાંખી ઉતારી લઇ, ઘી ચોપડેલી થાળીમાં ઠારીને તે દબાવી લો. પછી છરીથી તેના ચકતા પાડી લો.
આ પણ શકિત, સ્‍ફૂર્તિ અને પુષ્ટિવર્ધક ઉત્તમ પાક છે. ઉપયોગ કરી લાભ લેશો.

ખારેક પાક

સામગ્રી : ખારેક પાઉડર ૨૦૦ ગ્રામ,
સાકર ૧૦૦ ગ્રામ,
કોપરા ખમણ ૫૦ ગ્રામ,
પીપરી મૂળ ૧૫ ગ્રામ,
બદામ ૭૫ ગ્રામ,
ખસખસ ૧૦ ગ્રામ,
શિંગોળાનો લોટ ૫૦ ગ્રામ,
ચારોળી ૨૫ ગ્રામ,
સૂંઠ ૨૫ ગ્રામ
બનાવવાની વિધિ : પહેલાં તો ખારેક પાઉડર ચૂરો તૈયાર રાખો. બદામની કાતરી કરીને સૌતળી લો. કોપરા ખમણને ઘીમાં શેકી લો સૂંઠ-ગંઠોડા (પીપરી મૂળ) નો પાઉડર તૈયાર રાખો. ખારેક ચૂરાને ઘીમાં આથી દો. બીજે દિવસે ખાંડની પતાસા જેવી ઘાટી ચાસણી કરો. તેમાં ઉપરના બધા પાઉડર વગેરે નાખો અને ભેળવીને સરખી રીતે હલાવી લો. શિંગોડાનો લોટ ઘીમાં શેકીને તેમાં ઘીવાળી થાળીમાં તૈયાર મિશ્રણ ઢાળી દો અને કાપા પાડી લો.

ગુલાબ પાક

સામગ્રી : દેશી ગુલાબ પાંદડી (તાજી) ૨૫૦ ગ્રામ,
ખાંડ ૩૦૦ ગ્રામ,
માવો ૨૫૦ ગ્રામ,
રોઝ એસેન્‍સ થોડું,
ઘી પ્રમાણસર.
બનાવવાની વિધિ : દેશી ગુલાબની તાજી પાંદડી લઇ ધોઇને તેને વાટી લો. ઘીમાં માવો શેકો. પછી પાંદડી પેસ્‍ટ શેકો. પછી માવામાં પાંદડીનું મિશ્રણ નાંખો. ખાંડ નાખો. તૈયાર થતાં નીચે ઉતારી એસેન્‍સ નાખો. ઢાળી દો અને કાપા પાડીને પીરસી દો.

કેળા પાક

સામગ્રી : પાકાં કેળાં ૬ નંગ
ખાંડ ૧૦૦ ગ્રામ,
દૂધ ૮૦૦ મિલી
એલચી ૭ નંગ
ગુલાબજળ ૫ મિલી
ચારોળી ૨૫ ગ્રામ
બનાવવાની વિધિ : કેળાને છોલીને તેનો સ્‍મશર વડે માવો બનાવી લો દૂધને ખૂબ ઉકાળો અને ઠંડું પાડો. ત્‍યારબાદ દૂધમાં કેળાનો માવો, ખાંડ, એલચી પાઉડર અને ગુલાબજળ નાંખો અને એક રસ બનાવો. તૈયાર થતાં ચારોળી તથા થોડા કેળાનાં ટુકડાં વેરી દો અને તેને ગરમ ગરમ ભોજનમાં પીરસી દો. પુરી સાથે ખાવાની પણ મઝા આવે છે.

ખીરા પાક

સામગ્રી : ગાય કે ભેંસનું ખીરું ૫૦૦ ગ્રામ,
ખાંડ ૧૦૦ ગ્રામ,
દૂધ ૫૦૦ ગ્રામ,
બદામ પીસ્‍તા થોડા,
એલચી ૩ ગ્રામ,
જાયફળ ૨ ગ્રામ.
બનાવવાની વિધિ : સૌ પ્રથમ ખીરાને અને દૂધને એક વાસણમાં ભેગું કરીને ખાંડ નાંખો. તેને હલાવીને થાળીમાં રાખો. તેની પર બદામ પીસ્‍તા વગેરેનો ચૂરો છાંટો. તેને ઢોકળાની જેમ વરાળે બાફી લો. થોડીવારમાં તે તૈયાર થતાં તેને નીચે ઉતારી લો. પછી તેનાં ચોસલા પાડીને પીરસી દો. તે પણ સ્‍વાદિષ્‍ટ છે.

મેવા પાક

સામગ્રી : કાજુ ૧૦૦ ગ્રામ,
મગજતરીનાં બી ૨૦૦ ગ્રામ,
ચારોળી ૧૦૦ ગ્રામ,
ખાંડ ૨૫૦ ગ્રામ,
દૂધ ૩૦૦ મિલી,
ઘી ૧૦૦ ગ્રામ,
એલચી ૩ ગ્રામ,
જાયફળ ૨ ગ્રામ.
બનાવવાની વિધિ : ઉપરના બધા મેવા એટલે કે ચારોળી, કાજુ અને મગવતરીનો પાઉડર કરીને ચાળી લો દૂધ ઉકાળો તેમાં બધો મસાલો નાંખો અને તેને ઘટ્ટ થવા દો. ત્‍યારબાદ તેમાં ખાંડ નાંખીને હલાવતા રહો. ઘટ્ટ લચકો તૈયાર થવા આવે ત્‍યારે તેમાં ઘી નાંખીને પાછું હલાવો. જયારે ઘી છૂટું પડે ત્‍યારે નીચે ઉતારી એલચી-જાયફળનો પાઉડર પણ નાંખી દો. અને તેને ઘી લગાવેલી થાળીમાં ઢાળીને કાપા પાડો. આ પાક બાળકના માટે ખૂબ જ ગુણકારી છે.

પૌષ્ટિક પાક

સામગ્રી : મેંદો ૨૦૦ ગ્રામ,
એલચી ૩ ગ્રામ,
ઘી ૨૦૦ ગ્રામ,
ખાંડ ૨૫૦ ગ્રામ,
ગુંદર ૧૦૦ ગ્રામ,
માવો ૫૦ ગ્રામ,
બદામ પીસ્‍તા ૨૫-૨૫ ગ્રામ,
સફેદ મુસળી ૨૫૦ ગ્રામ,
ગંઠોડા ૩ ગ્રામ,
ગોખરુ ૩ ગ્રામ,
શતાવરી ૩ ગ્રામ,
સફેદ મરી ૩ ગ્રામ,
ચાંદીના વરખ થોડા,
કેસર ૧ ગ્રામ
બનાવવાની વિધિ : પહેલાં તો કડાઇમાં ઘી રાખી તેમાં ગુંદરની કણીને તળી લો. તેના દાણાનો પછી પાઉડર બનાવો. સફેદ મૂસળીનો પાઉડર લઇને ઘીમાં શેકી લો. માવો પણ ઘીમાં શેકી લો.
ત્‍યાર બાદ એક મોટા વાસણમાં ૧૫૦ ગ્રામ ઘીમાં મેંદાને ગુલાબી રંગનો શેકો. તાપ ખૂબ ધીમો રાખવો. તેમાં ગોળ ન પડે તે ધ્‍યાન રાખવું. ત્‍યારબાદ ખાંડની બેતારની ચાસણી કરો. તેનો મેલ પણ દૂર કરી લો. કેસરને દૂધમાં ઘૂંટીને તેમાં ભેળવો. તેમાં મેંદો, ગુંદર ચૂરો, સફેદ મૂસળી, બદામ પીસ્‍તાની કાતરીનો ચૂરો, એલચી પાઉડર નાખો અને સરખી રીતે તેને હલાવી ત્‍યારબાદ ઘીવાળી થાળીમાં તેને ઢાળી દો. ઠંડું પડતાં ચાંદીના વરખ લગાડો અને કાપા પાડીને તેને પીરસી દો