Showing posts with label અથાણું. Show all posts
Showing posts with label અથાણું. Show all posts

આમળાનો મુરબ્‍બો

સામગ્રી: ૧ કિલોગ્રામ આંબળાં,
૫૦૦ મિલી પાણી,
૧ ૧/૨ કિલોગ્રામ ખાંડ,
૪ ગ્રામ સાઈટ્રિક એસિઙ

રીત :
આંબળા ધોઈને, લૂછીને કોરા કરો અને પાણીમાં નાખીને એમાં કાણાં પાડીને ૧૦ ૧૨ મિનિટ સુધી ઊકળવા દો. પાણી નિતારી લો અને તાજું પાણી ભરીને એક દિવસ માટે રાખી મૂકો. બીજા દિવસે ફરી પાણી કાઢી લો અને તાજું પાણી ભરો.
ત્રીજા દિવસે ફરી એ પાણી ફેંકીને નવું પાણી ભરો. એમાં બે ગ્રામ સાઈટ્રિક એસિડ અને ખાંડ નાખી ઉકાળો. ઊભરો આવી જાય પછી ચાળી લો અને ચાળેલી ચાસણીમાં આંબળા નાખીને ૧૫-૧૬ મિનિટ સુધી ઉકાળો પછી આખી રાત રહેવા દો. બીજા દિવસે ફરી ઉકાળો અને એક તારની ચાસણી બનાવો. ઢાંકી આખી રાત રહેવા દો અને બીજા દિવસે એટલું ઉકાળો કે ચાસણી ઘટ્ટ થઈ જાય. ઠંડો કરીને મુરબ્‍બો બરણીમાં ભરો.

ગાજર અને સંતરાનો મુરબ્‍બો

સામગ્રી :
૬ ગાજર,
૩ સંતરા,
૧ લીંબુ,
૧/૨ ચમચી લીંબુની છાલ.
૧ કપ ખાંડ.


રીત : ગાજરને ધોઈને સમારો અને પાણીમાં નરમ થાય ત્‍યાં સુધી ઉકાળો. સંતરાની છાલ કાઢો અને ચીરીની પણ છાલ કાઢીને નાના નાના પીસ કરો. હવે ગાજર, સંતરાના પીસ, લીંબુનો રસ, લીંબુની છાલ અને ખાંડને એક પેનમાં મિક્સ કરો. આ મિશ્રણને ઉકાળો અને સિમર થવા દો. મિક્સર ક્લિયર થઈ જાય પછી જારમાં ભરો.

ટામેટાંનો મુરબ્‍બો

સામગ્રી : ૩ પાકાં ટામેટાં, ૧/૪ કપ કિસમિસ, ૧ લીંબુ (સ્‍લાઈસ કરેલું), ૧ કપ ખાંડ.



રીત : ટામેટાંની છાલ કાઢીને સ્‍લાઈસ કરો. લીંબુની પાતળી સ્‍લાઈસ સમારો અને બી કાઢી લો. હવે એક પેનમાં પહેલાં ટામેટાં પછી લીંબુ અને ખાંડનું લેયર કરો. ગેસ પર મૂકો. એક ઊભરો આવી જાય પછી આંચ ધીમી કરો. પછી મિશ્રણ ઘટ્ટ થવા દો.

શક્કરિયાનું અથાણું

સામગ્રી : શક્કરિયાં : ૨૫૦ ગ્રામ
તેલ : પ્રમાણસર
તલ શેકેલાં : ૧૦૦ ગ્રામ
મીઠું, મરચું : સ્‍વાદ મુજબ
હળદર, ધાણાજીરું : થોડાં
બનાવવાની રીત : શક્કરિયાં બાફીને ટુકડા કરી લો. તેમાં બધો મસાલો તલ અને તેલ ભેળવીને બરણીમાં ભરી લો. ૨ દિવસ તડકે રાખો પછી તે વાપરો.

પનીર – વડીનું અથાણું

સામગ્રી : પનીર : ૨૫૦ ગ્રામ
સરકો : ૨૫૦ ગ્રામ
સોયાબીનની વડી : ૨૦૦ ગ્રામ
મીઠું,મરચું : સ્‍વાદ મુજબ
લીલા વટાણા : ૨૦૦ ગ્રામ
મરી, હળદર : થોડાં
તજ, લવિંગ પાઉડર : ૭ ગ્રામ
તેલ : જરૂર મુજબ
બનાવવાની રીત : સૌ પહેલાં ઊકળતા પાણીમાં સોયાબીનની વડીઓ નાંખી દો. ૫ મિનિટ તાપ પર રાખીને ચારણીમાં ઢાળીને નિતારી લો. અને તેને ફરીને ધોઇને નાંખો. પનીરના નાના પ્રમાણસર ટુકડા લો અને તેલમાં તળી લો. લીલા વટાણાને ૩ મિનિટ ઊકળતા પાણીમાં નાખીને કાઢી લો. નિતારીને કોરા પાડો. બધો મસાલો તેલમાં નાંખીને શેકો અને આ મિશ્રણમાં ભેળવી દો. બરણીમાં અથાણું ભરી લો. ઉપરથી સરકો રેડી દો. થોડા વખતમાં તે તૈયાર થઇ જશે.

મેથી – મરચાં – પનીરનું અથાણું

સામગ્રી : લીલાં મોટાં મરચાં : ૫૦૦ ગ્રામ
મેથી : ૧૦૦ ગ્રામ
રાઇ કુરિયાં : ૫૦ ગ્રામ
પનીર : ૨૫૦ ગ્રામ
હીંગ, હળદર : થોડાં
લીંબુ : ૧૦ નંગ
તેલ : ૧૦૦ ગ્રામ
ખાંડ,મીઠું : સ્‍વાદ મુજબ
વરીયાળી : ૫૦ ગ્રામ
બનાવવાની રીત : સૌ પહેલાં લાંબા મરચાંને ધોઇને કોરા પાડો કાપો પાડી રાખો. મેથીદાણા શેકીને અધકચરા વાટી લો. તેલ ગરમ કરી રાઇ-મેથીનાં કુરિયાં, હિંગ, હળદર, મીઠું, લીંબુ નાંખો. તેમાં પનીર ચૂરો અને ખાંડ નાંખો. આ મિશ્રણને મરચાંમાં ભરીને રાખો. આ મરચાંને બરણીમાં ભરી દો. ઉપરથી તેલ રેડી દો. મસાલો પણ સાથે જ રહેવા દો. મરચાં નરમ થતાં ખાવા માટે વાપરવા.

સોયાબીનની વડીનું અથાણું

સામગ્રી : સોયાબીનની વડી : ૨૫૦ ગ્રામ
તેલ : ૩૦૦ ગ્રામ
સરકો : ૨૫૦ ગ્રામ
ગરમ મસાલો : ૩૦ ગ્રામ
લાલ મરચું : ૧૦ ગ્રામ
હળદર : ૭ ગ્રામ
હિંગ : ૨૦ ગ્રામ
મીઠું : ૧૫ ગ્રામ
બનાવવાની રીત : સૌથી પહેલાં સોયાબીનની વડીને ગરમ પાણીમાં ૨૦ મિનિટ સુધી રાખો. જયારે તે સરસ રીતે ફૂલી જાય ત્‍યારે પાણી નિતારી લો અને હળવા હાથેથી તેને દબાવીને પાણી નિતારી લો. કડાઇને તાપ પર રાખો. ૨૦૦ ગ્રામ તેલ નાખી ઉકાળો. પછી ૨ ગ્રામ હિંગનો વઘાર કરી તેમાં વડીઓ નાંખી દો અને હલાવો. ગુલાબી રંગની થતાં બહાર કાઢી લો. હવે કડાઇમાં વધેલું ૧૦૦ ગ્રામ તેલ નાંખો. જયારે તેલ સારી રીતે કકડી જાય ત્‍યારે બંને મરચાં અને હળદરનો વઘાર કરો પછી ગરમ મસાલો નાંખી તાપ પર ચડાવો. ધીમા તાપે મસાલા શેકો. પછી તેમાં વડી અને મીઠું નાંખીને ભેળવી દો. તે ઠંડી પડતાં બરણીમાં ભરો. બીજા દિવસે વધેલું તેલ પણ અથાણાંમાં નાંખી દો.

લીલા વટાણાનું અથાણું

સામગ્રી : વટાણા દાણા : ૨ કિલો
ધાણાજીરુ : ૧૦ ગ્રામ
તેલ : ૧/૨ કિલો
મીઠું : ૧૦૦ ગ્રામ
રાઇ : ૨૦૦ ગ્રામ
મરચું : ૧૦ ગ્રામ
વરિયાળી : ૫૦ ગ્રામ
હળદર : ૫ ગ્રામ
બનાવવાની રીત : એક વાસણમાં પાણી ઉકાળીને તેમાં વટાણા નાખો. ૧૦ ગ્રામ મીઠું નાંખો. ઉકાળીને ૨ મિનિટ પછી કાઢીને તેને છાયામાં કપડા પર સૂકવી દો.
રાઇ, વરિયાળી, જીરું, ધાણા, મીઠું, મરચું, હળદર બધો મસાલો વાટીને એક મોટા વાસણમાં તેલ નાંખી સરખી રીતે સાંતળી દો. તેને ઠંડો પાડો અને વટાણામાં ભેળવી દો. બરણીમાં અથાણું ભરી લો. તે ડૂબે તેટલું તેલ નાંખો. ૪-૫ દિવસ તે તૈયાર થશે. તે ૧ વર્ષ સારું રહેશે.

લીલા ચણાનું અથાણું

સામગ્રી : લીલા ચણા : ૫૦૦ ગ્રામ
લાલ મરચું : ૧૦ ગ્રામ
ગાજર : ૨૫૦ ગ્રામ
મીઠું : સ્‍વાદ મુજબ
રાઇ : ૫૦ ગ્રામ
તેલ : ૧૦૦ મિલી
બનાવવાની રીત : લીલા ચણાને ઉકાળી લો. ગરમ પાણીમાં ૨ મિનિટ રાખો. પછી પાણી નિતારી લો અને પાતળા કપડા ઉપર સૂકવી દો. ગાજરને ૨ ઇંચ લાંબા તથા પાતળા ટુકડા કરીને ગરમ પાણીમાં ૫ મિનિટ ઉકાળીને નિતારી લઇને રાખો.
એક સ્‍ટીલની તપેલીમાં લીલા ચણાના દાણા, ગાજર ટુકડા, રાઇ પાઉડર, હળદર, લાલ મરચું, મીઠું, તેલ નાંખી લાકડાના ચમચાથી હલાવી લો. તેને બરણીમાં ભરીને તડકામાં ૩ દિવસ માટે રાખો. ચોથા દિવસે અથાણું તૈયાર થઇ જશે.

મગની દાળ નું અથાણું

સામગ્રી : મગની દાળ : ૩૦૦ ગ્રામ
વરિયાળી : ૫ ગ્રામ
તેલ : ૨૫૦ મિલી
અજમો : ૫ ગ્રામ
સરકો : ૨૦૦ ગ્રામ
મેથી : ૨૫ ગ્રામ
મસાલો : ૫ ગ્રામ
ગરમ મસાલો : ૭.૫ ગ્રામ
કાશ્‍મીરી મરચું : ૭ ગ્રામ
મરચું : ૧૦.૫ ગ્રામ
આદું : ૧૦ ગ્રામ
હિંગ : ૨ ગ્રામ
ગોળ : ૨૫ ગ્રામ
મીઠું : ૧૦ ગ્રામ
બનાવવાની રીત : સૌ પ્રથમ મગની મોગર દાળને સારી રીતે સાફ કરીને અડધા કલાક માટે પાણીમાં પલાળી દો. પછી તેને ચારણીમાં નાખીને નિતારી લો.
દાળને વરિયાળી, અજમો અને આદું સાથે જાડી એવી પીસી લો. આ લોટને કપડાંની પોટલીમાં બાંધી ઊકળતા પાણીમાં ૩૦ મિનિટ સુધી ચડવા દો. જયારે તે તૈયાર થઇ જાય ત્‍યારે પાણીમાંથી પોટલી કાઢી લો અને ચપ્‍પુથી તેના નાના ટુકડા કરી લો. ગોળ ચૂરો કરીને સરકામાં પીગળાવો.
ત્‍યાર બાદ કડાઇને તાપ પર રાખો. ૨૦૦ મિલી તેલ ઊકળી જાય ત્યારે હિંગનો વઘાર કરીને તૈયાર કરેલ પીઠીના ટુકડા નાંખો. તેને ચમચા વડે ઉલટાવો. જયારે તે ગુલાબી રંગના થાય ત્‍યારે તેલ કાઢી લો. હવે વધેલું ૫૦ ગ્રામ તેલ પણ કડાઇમાં નાંખી દો. તેલ ગરમ થઇ જાય ત્‍યારે તેને તાપ પરથી ઉતારી લો અને મેથી દાણાનો વઘાર કરો. ત્‍યાર બાદ કાશ્‍મીરી મરચું, લાલ મરચું, હળદર નાંખી દો. હવે કડાઇ તાપ પર ચડાવો. સુગંધ આવે તે રીતે શેકો. પછી પીઠીનાં ટુકડા નાંખી દો. અંતે સરકો નાંખો.
ઠંડું પડતાં બરણીમાં ભરી લો. બીજા દિવસે કાચા તેલથી અથાણું ડુબાડો. ચાર દિવસ તડકો આપો એટલે અથાણું તૈયાર સમજવું.

કાબુલી ચણાનું અથાણું

સામગ્રી : કાબુલી ચણા : ૨૫૦ ગ્રામ
તેલ : ૨૦૦ ગ્રામ
સરકો : ૧૦૦ ગ્રામ
લસણ : ૧૦૦ ગ્રામ
લસણનો રસ : ૧૫ ગ્રામ
ડુંગળીનો રસ : ૧૫ ગ્રામ
સોડા : ૫ ગ્રામ
મસાલા : મોટી એલચી : ૧૦૦ ગ્રામ
લવિંગ : ૬ નંગ
મરી : ૧૦૦ ગ્રામ
જીરું : ૫ ગ્રામ
કાશ્‍મીરી મરચું : ૫ ગ્રામ
મીઠું : ૧૦૦ ગ્રામ
સૂંઠ : ૫ ગ્રામ
પીપરી મૂળ : ૪ ગાંઠ
જાવંત્રી : ૨૫ ગ્રામ
મરચું : ૫ ગ્રામ
બનાવવાની રીત : સૌ પહેલાં ગરમ પાણીમાં ખાવાનો સોડા ઘોળીને કાબુલી ચણા નાખો અને તેને એક રાત માટે પલાળી દો. સવારે ચણાનું પાણી નિતારી લો અને ચણાને પાણીમાં થોડું મીઠું નાંખીને ૧૫ મિનિટ સુધી ચડાવો. પછી પાણી કાઢી લઇને ચણાને કપડાં પર કોરા કરો. ૧૦ મિનિટ તડકે રાખો. હવે કડાઇમાં ૧૦૦ ગ્રામ તેલ નાખી ધુમાડા નીકળે તે રીતે ગરમ કરો. બે-ત્રણ ગ્રામ હિંગ નાંખીને વઘાર કરો, અને લસણ-ડુંગળીના રસને વઘારો. ત્‍યાર બાદ હળદર અને બંને જાતનું મરચું નાંખી દો. થોડી વાર ગરમ મસાલો શેકીને તેને ઉપર નીચે કરો. ૧૦૦ ગ્રામ લસણના દાણા તૈયાર કરીને સાંતળો. પછી ચણા પણ નાંખી દો. બધી જ સામગ્રી ભેળવીને તેમાં સરકો પણ નાંખો. થોડીવાર તાપ પર રાખી નીચે ઉપરો. ઠંડું પડતાં બરણીમાં ભરી લો. બીજા દિવસે કાચું તેલ નાંખીને તેને ડુબાડી દો. અઠવાડીયા સુધી તેને તડકે રાખો. પછી તે તૈયાર થશે.

મગ – મેથીનું અથાણું

સામગ્રી : મગ : ૨૫૦ ગ્રામ
લીંબુ : ૩ નંગ
મેથી : ૧૫૦ ગ્રામ
મીઠું : સ્‍વાદ મુજબ
લીલાં મરચાં : ૨ નંગ
તેલ : પ્રમાણસર
હિંગ : ૨ ગ્રામ
લસણ : ૩ કળી
બનાવવાની રીત : સૌ પહેલાં મગ-મેથી બંનેને એક રાત પલાળી દો. પછી કોરી પાડો. કડાઇમાં તેલ ગરમ કરી હિંગ નાંખો. મરચાનાં ટુકડા અને મગ-મેથી નાંખો. લીંબુનો રસ નાંખો. લસણ પણ નાંખો. તે ઠંડું પડતાં બરણીમાં ભરો અને બીજા દિવસે કાચું તેલ રેડો. ૫ દિવસ તડકો આપવો તેથી તે બની જશે.

બીટરૂટનું અથાણું

સામગ્રી : બીટ : નંગ
સરકો : ૬૦૦ મિલી
ગરમ મસાલો : ૧૫ ગ્રામ
મરી પાઉડર : ૫ ગ્રામ
મૂળો : ૧ નંગ
મીઠું : સ્‍વાદ મુજબ
બનાવવાની રીત : સૌ પહેલાં તાજા મધ્‍યમ કદના બીટરૂટને પસંદ કરો. પછી તેને ધોઇને સાફ કરીને ઓવનમાં ૩૦-૪૦ મિનિટ સુધી બેક કરી લો. ઠંડા કરીને છાલ ઉતારી લો અને એક સે.મી. ની લાંબી ચીરીમાં સમારી લો. પછી એક મોટા મોઢાવાળી બોટલમાં તે કાતરી નાંખી દો. સરકામાં બાકીની બધી સામગ્રી ભેળવી દો. ત્‍યાર બાદ તેને ઉકાળીને ફરી ઠંડું થવા દો. ઠંડા થયા બાદ બીટરૂટ ઉપર બોટલમાં તેને રેડી દો. તે પૂરેપૂરા ડૂબી જવા જોઇએ અને બોટલનું ઢાંકણું બંધ કરીને સૂકી જગ્‍યાએ રાખી દો.

મૂળાનું અથાણું

સામગ્રી : મૂળા : ૧ કિલો
તેલ : ૨૫૦ મિલી
મીઠું : ૫૦ ગ્રામ
લાલ રંગ : થોડો
રાઇ : ૧૦૦ ગ્રામ
હળદર : ૧૦ ગ્રામ
મરચું : ૨૦ ગ્રામ
બનાવવાની રીત : સૌ પહેલાં મૂળાને ધોઇને તેના રેસા વગેરે છોલી લો. સાફ કરી લો. અને ત્‍યાર બાદ તેના લગભગ અડધા ઇંચના ગોળ પતીકા કરી લો. તે પછી તેમાં તેલ, મીઠું, હળદર, હિંગ, રાઇ વગરેનું મીશ્રણ નાંખીને બરણીમાં ભરી લો. ૩ દિવસ બાદ આ અથાણું ખાવાલાયક બની જશે. આ અથાણું સાદા પરોઠા કે પૂરી સાથે ખાવાથી સ્‍વાદિષ્‍ટ લાગશે.

શલગમનું અથાણું

સામગ્રી : શલગમ : ૧ કિલો
આમચૂર : ૨૫ ગ્રામ
લસણ : ૨૦ ગ્રામ
ડુંગળી : ૧૦૦ ગ્રામ
રાઇ : ૧૦૦ ગ્રામ
આદું : ૧૦૦ ગ્રામ
સરકો : ૧૦૦ ગ્રામ
મીઠું : સ્‍વાદ મુજબ
ગોળ : ૧૦૦ ગ્રામ
તેલ : ૫૦૦ ગ્રામ
મરચું : ૧૦૦ ગ્રામ
બનાવવાની રીત : શલગમ ધોઇ છોલીને મોટા ગોળ ટુકડા કરો. તેને પાંચ મિનિટ સુધી ગરમ પાણીમાં ઉકાળી લો. પછી પાણીમાંથી કાઢીને કપડા પર સુકવી નાખો. લસણ-ડુંગળી બારીક સમારીને સાંતળી લો. અને તેને શલગમમાં ભેળવો. તેમાં આદું, રાઇ અને મીઠું નાખી તડકે મૂકો. ગોળને સરકામાં ઉકાળીને આ ટુકડામાં નાખો. બરણીમાં ભરીને તડકો આપો. ૪ દિવસ બાદ તેલ રેડો. ૬ દિવસ સુધી તડકો આપો. ત્‍યાર બાદ તે તૈયાર થઇ જશે.

ગુવારનું અથાણું

સામગ્રી : ગુવાર : ૨૫૦ ગ્રામ
હળદર : થોડી
ખાટું પાણી : થોડું
મીઠું : ૩૫ ગ્રામ
બનાવવાની રીત : સારી જાતનો કૂણો એવો ગુવાર લ્‍યો. અને તેનાં ડીટાં કાપીને ધોઇને અલગ રાખો. પછી તેમાં હળદર, મીઠું નાંખીને ભેળવો. તેમાં ખાટું પાણી પણ નાંખો. એક વાસણમાં ગુવાર ડૂબે તેટલું પાણી નાંખવું, ઉપરથી સ્‍વચ્‍છ કરેલો પથ્‍થર વજન રૂપે મુકવો. દસ દિવસ સુધી આમ દબાવીને રાખો, ત્‍યાર બાદ તેને કાચની બરણીમાં ભરી લો. આ એક ગુવાર શીંગનું સાદું મઝાનું અથાણું છે.

સૂરણનું અથાણું

સામગ્રી : સૂરણ : ૫૦૦ ગ્રામ
મીઠું : થોડું
હળદર : પ્રમાણસર
રાઇ : ૧૩૦ ગ્રામ
પાણી : થોડું
બનાવવાની રીત : સૌ પહેલાં સૂરણને છોલીને ધોઇને તેના મોટા ટુકડા કરો. તેને એક તપેલીમાં બાફી લો. ત્‍યાર બાદ તેનું પાણી નિતારી લો. તેમાં હળદર, મીઠું, અને રાઇને ફીણીને મસાલો તૈયાર કરો અને ભેળવી દો. ત્‍યાર બાદ આ ટુકડાને તમે બરણીમાં ભરી લો.

બટેટાનું અથાણું

સામગ્રી : બટેટા : ૧ કિલો
રાઇનાં કુરિયાં : ૧૨૫ ગ્રામ
તેલ : ૧૨૦ મિલી
મીઠું-મરચું-હળદર : પ્રમાણસર
બનાવવાની રીત : સૌ પહેલાં બટેટા બાફીને છોલી લો. મોટા ટુકડા કરો. રાઇનાં કુરિયાંને પાણીમાં ખૂબ ફીણો અને તેમાં તેલ નાંખીને હલાવો. મરચું, હળદર, મીઠું નાંખીને ભેળવો. બટેટાને તેમાં રગદોળી લો. બરણીમાં ભરો. આ ટૂંક સમય માટેનું જ અથાણું છે.

કાકડીનું અથાણું

સામગ્રી : કાકડી : ૫૦૦ ગ્રામ
તેલ : ૧૦૦ ગ્રામ
ખાંડ : ૧૫૦ ગ્રામ
મરચું : ૨૫ ગ્રામ
મેથીનાં કુરિયા : ૨૫ ગ્રામ
એસેટિક એસિડ : ૧૦ ગ્રામ
હળદર / હિંગ : ૫ ગ્રામ
વરિયાળી : ૧૦ ગ્રામ
મીઠું : સ્‍વાદ મુજબ
પાણી : થોડું
બનાવવાની રીત : સૌ પહેલાં કાકડી ધોઇને તેને લાંબી પાતળી સમારી લો. તેમાં હળદર અને મીઠું ભેળવીને રાખો. પાંચ દિવસ તેને રહેવા દો. ત્‍યાર બાદ તેનું પાણી નિતારી લો અને ધોઇ નાંખો. બધો મસાલો, ખાંડ, તેલ, એસેટિક એસિડ વગેરે બધી સામગ્રી ભેળવીને તેમાં રગદોળી લો. બરણીમાં ભરી લો. તે એક નવીન પ્રકારનું સ્‍વાદિષ્‍ટ અથાણું છે.

ભીંડાંનું અથાણું

સામગ્રી : ભીંડાં : ૨૫૦ ગ્રામ
કિસમિસ : ૨૫ ગ્રામ
રાઇકુરિયા : ૫ ગ્રામ
મીઠું મરચું : થોડાં
હળદર હિંગ : થોડાં
કોપરું , તલ : ૨૫ ગ્રામ
બનાવવાની રીત : ભીંડાંના ટુકડા કરી તેને તડકે રાખો. પછી તેમાં બધો મસાલો અને સૂકો મેવો ભેળવીને અથાણું બરણીમાં ભરો. તેલ ગરમ કરી તેમાં હિંગ નાંખીને ભીંડા ડૂબે તેટલું તેલ રેડી દો. તેને તડકામાં ૧૦ દિવસ માટે રાખો. ત્‍યાર બાદ આ અથાણું તૈયાર થઇ જશે.